સૌ જાય શેરબજારમાં રે, જન સૌ જાય શેરબજારમાં
વાત બસ એજ વિચારમાં રે, જન સૌ જાય શેરબજારમાં
નોકરીઆ તે નોકરી છોડવાં
કીધા રીપોટ સરકારમાં રે…જન સૌ જાય…
મેતાજીઓએ મેલી નિશાળો
વળગીઆ એ વેપારમાં રે… જન સૌ જાય…
હોંશથી જઇને નાણાં હજારનો
લાભ લે વાર લગારમાં રે … જન સૌ જાય…
ધમધોકારથી શેરનો ધંધો
ઉછળ્યો વર્ણ અઢારમાં રે… જન સૌ જાય…
મોચી, ઘાંછી ને માલી હાલીમાં
સાલવી, સઇ સુતારમાં રે… જન સૌ જાય…
ગાંધી ગાંઠે શેર બાંધીને રાખે
વસાંણુ ન ભરે વખારમાં રે… જન સૌ જાય…
જેમ તેમ કરીને નાણું જમાવવું
સમજ્યા એટલું સારમાં રે… જન સૌ જાય…
પોતાના કામનો કશો વિચાર પણ
ન રહ્યો કોઇ નરનારમાં રે… જન સૌ જાય…
ચાલતાને જોઇ જોઇને ચાલે
જેમ લશ્કરની લારમાં રે… જન સૌ જાય…
બેંક્વાલા શેર સાટે બહુ ધન
આપવા લાગ્યા ઊધારમાં રે… જન સૌ જાય…
કરજ કરી એવો ધંધો કરતાં
પહોંચ્યા હદથી પારમાં રે… જન સૌ જાય…
દલપતરામ કહે એવું દેખી
કોપ ઉપજ્યો કરતારમાં રે… જન સૌ જાય…

નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી
મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી

કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે
પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી

હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારે
એ ઝાલી બાવડું રોકે છે લડવા પણ નથી દેતી

જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છે
પણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી

ધરી ધીરજ ઘણી તો પણ મને એ મારી ધીરજના
ફળો મીઠા નથી દેતી ને કડવા પણ નથી દેતી

કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી

દર્દ નો એવો ગજબ એહસાસ છે,
હું રડું છું, ને મારી આંખે પ્યાસ છે.

બારે માસે એ નું એ ક્યાં ચાલશે?
માની લઇએ સુખ તણો અવકાશ છે.

હું ગઝલ લખું ને મન ધ્રૂસ્કે ચઢે!
કેવા શુકન ! કેવો રૂડો આગાઝ છે !

લાગણીના સુર્યની ખિલ્લી ઊડે !
વાદળામાં કેટલો વિશ્વાસ છે !!!

ભર બપ્પોરે આંગણે ખટકો મળે,
બારણે માણસ નહી એક આસ છે.

એની સામે હું સતત નમતો રહ્યો ,
ભવ્યતા છે કે ફકત આભાસ છે!

હર ગઝલમાં વાત તારી, પણ તું નહી,
કેવો “શફક” બેસાડ્યો તેં પ્રાસ છે !

હું શમણાઓને ગાળું છું, એ ઘટનાઓને લૂછે છે
હું શબ્દ બનીને સળગુ છું, એ મૌન લખીને ઘુંટૅ છે

હું સ્વપ્ન ભલા ક્યાંથી વાવું જઇ પૂછ વિરહની રાતોને
અહીં રોજ નિરાશા ફણગે છે, અહીં રોજ નિસાસા ઊગે છે

નિસ્તેજ થયેલી આંખોને સૂરજની વાતો યાદ નથી
અફસોસ બિચારું અંધારું અહેસાસ ઉદયનો પૂછે છે

તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે
તું આવ કે મારા આકાશે આખું ચોમાસું ઊડે છે

મારામાં મારા હોવાની વાતો સૌ પોકળ સાબિત થઇ
તો કોણ પછી આ રગરગમાં વિશ્વાસ બનીને ઘૂમે છે

પેલા પર્વત પર બે પ્રેમી કહે છે કે આખર વાર મળ્યા
એક વૃક્ષ હજી ત્યાં વાદળમાં ચિક્કાર પલળતું ઊભે છે

હવે જિંદગી પર નથી કોઈ વહેમ મને,
ને ખબર નથી મોત પછી શું અંજામ છે..

થોભવા દે થોડું ઈશ્વર આ સમયમાં મને ,
જરાક બે-ચાર પળનું જ મારે કામ છે..

ઘણા જુવે મારી રાહ ને ઘણે લાગાવ છે મને,
આખરમાં કહી દઉં તેમને આ જીવ હવેથી હરામ છે..

પછી લઈ જા ભલે કરી કેદ તું મને ,
એ પછી તો બસ મારે આરામ જ આરામ છે

Newer Posts Older Posts Home