સાજણ તારા નેણ થકી તુ એવાં વેણે બોલ,
થાય કદી ના તોલ એનાં, બની રહે અણમોલ,

વાદળીયા વે’વાર જગતનાં
સદા રહે ના નેહ નીતરતાં,
લાગણીયા વે’પાર કરીને
દલડાં સાથે ખેલ એ કરતાં.

કોરાં પૂમડાં ખોસ્ય નહીં ’ને ભેની ફોરમ ઘોળ,
થાય કદી ના તોલ એનાં, બની રહે અણમોલ.
…..સાજણ…

કંકુવયણી આશ્યોનાં તો
તોરણીયાં બાંધ્યા હરખઈ,
કોકરવયણી રાત્યોમાં તો
ખાટી મેઠી વાત્યો થઈ..

રાતે સમણે આંખ મળી તો પડખાંને હંકોર વાલમ,
થાય કદી ના તોલ એનાં, બની રહે અણમોલ.
…..સાજણ…

પરોઢિયાની પાળ્યે બેહી
ગીતડાં ગાશું ગોરસીયાં,
બપોરમાં ખેતરના શેઢે
ચીતડાં પાશું પોરસીયાં.

દેહ નીતરતી હાંજ ઢળી તો નેહની નેક્યો ખોલ વાલમ..
થાય કદી ના તોલ એનાં, બની રહે અણમોલ.

દીવા નીચે અંધારું અને દીવા ઉપર મેંશ,
જગને અજવાળે તોય ન ભાળે દિન ઉજેશ.

***

આંખે એની સાગર લહેરાય, છલકે તો આંસુ થાય;
હૈયે ભલે અગન બળતો, તોય છલક્યે હૂંફ વરતાય.

***

અમે વરસાદી વાદળ સાજન, તમે અષાઢી વીજ;
થઈ કટારી હૈયે ભોંકાયાં, કેવી તમારી આ રીસ?

***

વાયદો કીધો મળવાનો ને વહી ગયાં મલક પાર,
વાયદો તો હતો વરવાનો, કાં રઝળાવ્યાં મઝધાર?

***

તમે સમણામાં આવ્યાં’તાં ને કીધી’તી એક વાત,
ભેગાં જીવશું, ભેગાં મરશું એ શાંને ભૂલ્યાં પરભાત?

***

વિશ્વાસે હંકાર્યું હતું અમે તો મધ દરિયે વહાણ,
હલેસાં સંતાડી બેઠાં તમે, નહોતી અમને જાણ.


***

મુસલમાનો કો ભી બુતપરસ્તી માફ હોતી હૈ,
જબ મહેબુબા કી હસીં મુરત સામને હોતી હૈ.


***
વતનની યાદ આવે છે ને ભલે રુએ છે આંખડી,
માયા ડોલરની છૂટતી નથી શી દશા છે આપડી!

***
સંગે રહેવાનું મન હતું પણ જાતે વહોર્યો વનવાસ,
ડોલર પાછળ દોડિયા, પછી ક્યાંથી મળે સહવાસ?

***
ઉજાગરા બહુ રે કીધા, કીધા બહુ પરયાસ,
ભગ્યમાં હતું તે પામીયા, વધુની શું આશ?

***
અમે આવ્યા’તા આશ લઈને, રહેશું રે સંગાથ,
તમે પરવરિયાં અમને મેલી રેઢા છોડી સાથ.

***
વાદળ તો વરસ્યાં નહીં, વીજ ન ભરખી અમ જાત,
સાજણ વીણ અમે રહ્યા મઝધાર, શું દિ ને શી રાત?
***

વાયરા આવે વતનથી, લઈને નીતનીત રૂડા સંદેશ;
આંખડી અમારી છતાંય રોતી, લાગે ન મન પરદેશ.

***
સાજણ સમણાં નેણમાં, હૈયે ભર્યો વિજોગ,
ક્યારે રે આવશે સાજણ મળવાનો સંજોગ.

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

Newer Posts Older Posts Home